કેન્સર રોગ પર આધુનિક સંશોધન છેલ્લી એક સદીમાં વિકસ્યું. કેન્સરનો આનુવંશિક આધાર તે સમયની એક પાયાની શોધ બની.
1890 માં, ડેવિડ વોન હેન્સમેનએ 13 જુદા જુદા કાર્સિનોમા (carcinoma – ઉપકલા પેશીનું કેન્સર) નમૂનાઓના કોષ-વિભાજનનો અભ્યાસ અને વિગતવાર વર્ણન કર્યું હતું. દરેક કિસ્સામાં, તેમણે અસ્વસ્થ રંગસૂત્રોના ઉદાહરણોની નોધ કરી. આ ઉપરાંત તેમણે નોધ્યું કે નવા કોષો રંગસૂત્રોનું અસમપ્રમાણ વિતરણ દર્શાવે છે. તેમણે એવી પરિકલ્પના આપી કે અકુદરતી અને અસ્વસ્થ કોષ-વિભાજનના કારણે કેન્સર કોષિકાઓમાં રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય છે.
વીસમી સદીની શરૂઆતમાં પ્રાણીશાસ્ત્રી થિયોડોર બોવેરીએ આ – મોટેભાગે અવગણવામાં આવેલી -પરિકલ્પનાનો પીછો કર્યો. તેમના પ્રયોગની નવીનતા હતી કે તેમણે Sea-urchin (ગોળ, કાંટાવાળી છીપમાં રહેતું એક દરિયાઇ પ્રાણી) ના ઈંડાનું અસ્વસ્થ કોષ-વિભાજન કરાવી શકતા હતા, અને તેથી નવા કોષો રંગસૂત્રોનું અસમપ્રમાણ વિતરણની અસરો નો અભ્યાસ શક્ય બન્યો. તેમણે અનુમાન લગાવ્યો કે વ્યક્તિગત રંગસૂત્રો ગુણાત્મક રીતે ભિન્ન હતા અને વિવિધ વારસો ધરાવતા હતા. તે પછી તેમણે સૂચવ્યું કે અવ્યવસ્થિત કોષ-વિભાજન રંગસૂત્રોને અસમાન વહેંચણી તરફ દોરે છે, જે મોટાભાગના કિસ્સાઓમાં કોષ માટે નુકસાનકારક બને છે અને કોષ મૃતુય પામે છે. તેમ છતાં, પ્રસંગે, “રંગસૂત્રોની ચોક્કસ, ખોટી જોડણી” એવા કોષનું નિર્માણ કરે છે જે “schrankenloser Vermehrung” – અમર્યાદિત વૃદ્ધિ કરી શકે અને અસંખ્ય વિભાજન પામી નવી પેઢીનીઆ ખામી પસાર કરી શકે છે. બોવેરીની આ શોધે કેન્સરને આનુવંશિક બિમારી તરીકે જોવા માટેની સમજ દુનિયાને આપી હતી.
બોવેરીએ તેમની કલ્પના અને તર્ક વડે કેન્સર સાથે સંકળાયેલ વિવિધ ઘટનાઓં સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ઘણી અસાધારણ પણ સચોટ આગાહી કરી. આજે, આપણે જાણીએ છીએ કે તેમણે કોષ-વિભાજનના અંતરાય (cell-cycle-checkpoints), કેન્સરને અવરોધક જનીન (tumor-suppressing genes), કેન્સરને સહાયક જનીન (oncogenes) ના અસ્તિત્વની આગાહી કરી હતી. આ ઉપરાંત તેમણે કલ્પના કરી કે ઝેર, કિરણોત્સર્ગ, શારિરીક અપમાન, ચેપી રોગ, અને દીર્ઘકાલીન બળતરા પરોક્ષ રીતે અકુદરતી અને અસ્વસ્થ કોષ-વિભાજનનું કારણ બને છે અને કેન્સરના વિકાસ સાથે સંકળાયેલા હોઈ શકે છે.
આશ્ચર્યજનક ધૈર્ય અને સચોટતાથી, બોવેરીએ એક પેશીમાં વિવિધ ગાંઠોના પ્રકારોના ઉદભવને સમજાવ્યો, કેન્સરનો આનુવંશિક આધારની શક્યતાઓ બતાવી, અલગ-અલગ કેન્સરની શરૂવાત અને પ્રગતિ માટે જવાબદાર વિવિધ પરિબળો વચ્ચેની સરખામણી આપી, અને કેન્સરની રેડીયોથેરપી માટેની સંવેદનશીલતા દર્શાવી. આ બધા વિચારોને સમય જતા વ્યાપક સ્વીકૃતિ મળી છે.
- અનુવાદ : દર્શક ભટ્ટ (Darshak)
- લેખન : Barbara Marte, Senior Editor, Nature
- મૂળ સંશોધન અને વૈજ્ઞાનિક લેખો:
- Marte, B. Lack of principles. Nat Rev Cancer 6, S8 (2006). https://doi.org/10.1038/nrc1844
- von Hansemann, D. Ueber asymmetrische Zelltheilung in epithel Krebsen und deren biologische Bedeutung. Virchow’s Arch. Path. Anat. 119, 299 (1890)
- Boveri, T. Zur Frage der Entstehung Maligner Tumoren (Gustav Fisher, Jena, 1914)
- Schimke, R. T., Kaufman, R. J., Alt F. W. & Kellems, R. F. Gene amplification and drug resistance in cultured murine cells. Science 202, 1051–1055 (1978)
- Balmain, A. Cancer genetics: from Boveri and Mendel to microarrays. Nature Rev. Cancer 1, 77–82 (2001)