Site Overlay

તણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) અનેક ઉદાહરણો છે. જેમ કે ભય દ્વારા થતો પ્રતિસાદ, જેમાં કોઈ ચોક્કસ પ્રકારના ભય સામે આપણું શરીર પ્રતિક્રિયા આપવા માટે ટેવાતું હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો, અમદાવાદના ૨૦૦૧માં થયેલ ભૂકંપ વખતે હું હાજર હતો – અને એ કઈ મજા ની વાત ન હતી. તેના કારણે જયારે પણ કોઈ વાર નજીકમાં બાંધકામ ચાલતું હોય અથવા કોઈ મોટું વાહન પસાર થવાને કારણે જમીન ધ્રુજી ઉઠે તો થોડી ક્ષણો માટે હું રોકી જાઉં અને મને એમ થઇ જાય કે શું આ ફરી કોઈ ભૂકંપ તો નથી ને? બસ વર્ષો પહેલા અનુભવેલી ૧૫-૨૦ સેકન્ડના ભયને કારણે હજુ પણ મારા શરીરમાં એક અવિસ્મરણીય યાદ હાજર છે જે મારા વર્તનમાં ફેરફાર કરાવી શકે છે.

તમે વિચારતા હશો કે આ યાદશક્તિ કેવી રીતે કામ કરતી હશે? સંશોધન દ્વારા વિવિધ પ્રકારની યાદશક્તિઓ ને ઓળખવામાં આવી છે, પણ તણાવને (stress) લગતા ક્ષેત્રમાં આપણે પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) અને પ્રત્યક્ષ-યાદશક્તિ (explicit memory) વચ્ચેના ફેરને સમજવું જરૂરી છે. પ્રત્યક્ષ અથવા સ્પષ્ટ-યાદશક્તિ (explicit or declarative memory) એ છે જેમાં તમે કોઈ ચોક્કસ ઘટના માણો છો અથવા કોઈ હકીકત જાણો છો અને તમને આ ઘટના-હકીકત યાદ છે તેની તમને સજાગપણે જાણ છે. દાખલા તરીકે – કોઈ ની વર્ષગાંઠ, અથવા કોઈ નું નામ, રહેઠાણ વગેરે. આના થી અલગ, પરોક્ષ-યાદશક્તિ (અવ્યક્ત, implicit memory)  એ છે જેમાં આપણને કોઈ વાત યાદ છે એનું સજાગ ભાન આપણને નથી હોતું. અને આપણે તેનું ઉદાહરણ ઉપર જોયું તેમ હોઈ શકે છે. મગજના કયા ભાગ અવલોકન અને યાદશક્તિની પ્રક્રિયાઓ માટે સામેલ હોય છે? હિપ્પોકેમ્પસ (મગજમાં આંતરિક -મધ્યસ્થ ક્ષેત્ર આવેલ ભાગ જે લાગણીઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે – hippocampus) અને તેની જોડાણમાં આવેલ મગજનો ભાગ સ્પષ્ટ-યાદશક્તિ (explicit or declarative memory)ની કેળવણીમાં મદદ કરે છે. જયારે સેરેબેલમ (લઘુ મસ્તિષ્ક અથવા નાનું મગજ – cerebellum) પરોક્ષ-યાદશક્તિના (અવ્યક્ત, implicit memory) માટે જવાબર હોય છે.

હિપ્પોકેમ્પસ (મગજમાં આંતરિક -મધ્યસ્થ ક્ષેત્ર આવેલ ભાગ જે લાગણીઓ અને યાદશક્તિ માટે જવાબદાર છે – hippocampus) – Image from Wikipedia

વ્યક્તિગત કોષોની દ્રષ્ટીએ યાદશક્તિ ક્યાં જોવા મળે છે ? – તો કોઈ નવી યાદ એટલે કોઈ નવા ચેતાતંતુ નો ઉદ્ભવ અથવા બીજા ચેતાતંતુઓ સાથે નવું જોડાણ નથી હોતું. પણ હયાત જોડાણોને વધારે ગાઢ, વધારે મજબુત, વધારે ઉત્તેજક, અને લાંબા સમય માટે સ્થાયી રહે તેની પ્રક્રિયા છે. આ સમજુતી ને લાંબા ગાળાના સંસર્ગના (long term potentiation) નામે ઓળખવામાં આવે છે, અને હાલના સમય માં આપણી મનુષ્યના મગજને પ્રત્યેની સીમિત સમજ દર્શાવે છે. હાલની સમજણ પ્રમાણે મગજમાં યાદો ચેતાકોશો (neurons)ના જાળાની ગૂંચવણમાં (neural network) સંગ્રહિત કરવામાં આવે છે. વિચાર એ છે કે કોઈ એક ચોક્કસ યાદ કોઈ ચોક્કસ ચેતાકોશમાં સંગ્રહિત નથી કરવામાં આવતી – પણ વિવિધ ચેતાકોશો (neurons) વચ્ચેના સંબંધમાં અનુસંધાન રૂપે વેરાયેલી (diffused in the neural network) હોય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ જમણવારમાં જાવ અને કોઈ સગાવાહલાનું નામ યાદ કરવાનો પ્રયત્ન કરતા હો, ત્યારે તમે વિવિધ માહિતીઓના અનુસંધાન દ્વારા તેમનું નામ યાદ કરતા હો છો – જેમ કે આ વ્યક્તિના  નામમાં કેટલા અક્ષરો હતા? – મને યાદ છે કે આમનું નામ ‘ગ’ પરથી શરુ થતું હતું. – મેં આમને પહેલા ક્યાં જોયા છે, કોની સાથે જોયા છે? વગેરે વગેરે.. અને આમ કરતા વિવિધ અનુસંધાનો ભેગા કરતા આપણને કોઈ વ્યક્તિ નું નામ યાદ આવે છે.

તો હવે જાણીએ કે તણાવ (stress) દરમ્યાન અથવા તેના કારણે યાદશક્તિ પર કેવી અસર થાય છે. તો આપણે જાણીએ છીએ કે ટૂંકા ગાળાના તણાવ (short term, acute stress) ને કારણે આપણું હૃદય વધારે ધબકવા લાગે છે, મગજ સુધી લોહી ઝડપી ગતિએ પહોચવા લાગે છે, જેથી ઓક્સીજન (oxygen) અને શર્કરા (glucose) વધારે પ્રમાણમાં મગજ સુધી પહોચે છે. પરિણામે મગજમાં રહેતા ચેતાતંતુઓ વધારે ઉત્સાહિત બની જાય છે અને ઝપડી કાર્ય કરે છે. વિવિધ સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ટૂંકા ગાળાના તણાવ ને કારણે યાદશક્તિ તીવ્ર બને છે.

પણ લાંબા ગળાના તણાવની અસર તદ્દન જુદી જોવા મળે છે – જેમાં યાદશક્તિ નબળી પડે છે. લાંબા ગાળાના તણાવ (long term, chronic stress) ને કારણે લોહીમાં રહેતા ગ્લુકોસ અને ઓક્સીજનની ખામી વર્તાય છે અને તેના કારણે મગજ સુધી જરૂરી પોષક તત્વો ઓછા પ્રમાણમાં પહોચે છે. તેની મગજની કાર્ય ક્ષમતા પર અવરોધક અસર પડે છે. સતત રહેતા તણાવ ને કારણે મગજમાં રહેતા ચેતાકોશો થાક અનુભવે છે – અને તેમની આવરદા ઘટતી જાય છે. પરિણામે સતત તણાવ અનુભવતા લોકોને યાદશક્તિ નબળી પડતી જોવા મળે છે. મગજમાં હિપ્પોકેમ્પસ (hippocampus) તણાવને લગતી આ પ્રક્રિયા સામે વિશેષ સંવેદનશીલતા દર્શાવે છે જેના કારણે પ્રત્યક્ષ-યાદશક્તિ (explicit memory) પર વધારે અસર થાય છે.

 

1 thought on “તણાવ, યાદશક્તિ અને યાદોનો સંગ્રહ – stress, learning and memory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.