આપણે અત્યાર સુધી એ વાત સમજ્યા કે કોઈ રોગ પાછળના જીવવિજ્ઞાનને સમજવા માટે તે રોગ કયા વ્યક્તિના સંદર્ભમાં છે તે જાણવું જરૂરી છે. તેમજ હવે આપણે એક નવા સંદર્ભ તરીકે એમ જાણીશું કે તે વ્યક્તિ કેવા સમાજ માં રહે છે. તમે કેવા સમાજમાં રહો છો એના કારણે તમારી તંદુરસ્તી પર કેવી અસર પડે છે? અને આ વાતમાં તણાવ (stress) કયો ભાગ ભજવે છે?
પશ્ચિમ સમાજની એક વિશેષ માનવામાં આવતી લાક્ષણિકતા જે હવે પૂર્વ સમાજમાં પણ દેખાઈ રહી છે તે છે સામાજિક-આર્થીક અધિક્રમ (socioeconomic hierarchy). સામાન્ય રીતે સમજીએ તો આ માળખામાં નીચલા વર્ગના વ્યક્તિઓ (lower class and lower middle class) પર તણાવની અસર વધારે ગંભીર જોવા મળી આવે છે. કારણકે આ વર્ગના વ્યક્તિઓ રોજીંદા જીવનમાં સામાન્ય કરતા વધારે વાર તણાવ અનુભવતા હોય છે. દાખલા તરીકે – તે વ્યક્તિ રોજ સીડી ચઢીને સમાન ઉચકવો પડે છે કારણકે તેમના બિલ્ડીંગમાં લીફ્ટ ની સુવિધા નથી, તેમની પાસે વાહન વગેરે સાધનો નો અભાવ છે, શારીરીક શ્રમ વેઠીની જીવન નું ગુજરાન કરે છે, વગેરે જેવી સમસ્યા વેઠતા હોય છે. શારીરિક ઉપરાંત માનસિક તણાવની અસર પણ આર્થિક રીતે નબળા લોકો પર વધારે પડતી જોવા મળે છે – કારણકે તેમની પાસે ઓફીસ વગેરેમાં નિર્ણય શક્તિ નો અભાવ હોય છે, આર્થિક કરકસર ના કારણે પોતાના જીવન પર નિયંત્રણ ઓછુ હોય છે. તણાવના કારણે થતો ગુસ્સો અથવા નિરાશા વિષેની અભિવ્યક્તિ કરવાના પૂરતા સાધનો નથી મળતા – જેમ કે મોઘા શોખ નથી પાળી શકતા. અને સોથી વધારે મહત્વની વાત છે કે તેમની પાસે ધનવાન વ્યક્તિઓની સરખામણીમાં પુરતો સામાજિક સહકાર નથી હોતો.
તો આ સામાજિક-આર્થીક સ્થિતિ (socioeconomic status) ની અસર તમારી તંદુરસ્તી પર કેવી પડે છે? તો પશ્ચિમ સમાજમાં થતા સંશોધન દર્શાવે છે કે તંદુરસ્તીની ગુણવત્તાનો ક્રમ વ્યક્તિની સામાજિક-આર્થીક સ્થિતિ સાથે જોડાયેલો છે (socioeconomic health gradient), જેમાં આર્થિક રીતે નબળા વ્યક્તિઓની સરેરાશ તંદુરસ્તી ધનવાન વ્યક્તિઓની સરખામણીમાં નબળી જોવા મળે છે. દાખલા તરીકે વોશીંગ્ટન ડી.સી. (Washington D.C.) શહેરના આંતરિક ગરીબ વિસ્તારમાં વસતા વ્યક્તિઓનું અપેક્ષિત આયુષ્ય શ્રીમંત પરામાં રહેતા વ્યક્તિઓ કરતા ૧૬ વર્ષ ઓછુ હોય છે. આ કિસ્સામાં સામાજિક-આર્થીક અસમાનતા મોટો ભાગ ભજવે છે. આમા વ્યક્તિની તટસ્થ અને વ્યક્તિલક્ષી ગીરીબી તંદુરસ્તીને સાથે સંકળાયેલ જોવા મળે છે. આ અસર વ્યક્તિની જીવનશૈલી દ્વારા વધારે અથવા ઓછી ગંભીર બની શકે છે. જેમ કે ગરીબ વ્યક્તિઓ સામાન્યની સરખામણીમાં વધારે મધપાન કરે છે, વધારે ધુમ્રપાન કરે છે, અતિશય આહાર કરે છે, અને શારીરિક કસરત ઓછી કરે છે. પરિણામે તણાવને કારણે થતી આડઅસર તેમની તંદુરસ્તીને નુકાસન પહોચાડી શકે છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ, તંદુરસ્તી અને સામાજિક-આર્થિક પરિસ્થિતિ – Stress, Health and socioeconomic status”