બેબૂન (baboon) વાંદરાની પ્રજાતિ પર થી એક સરસ ઉદાહરણ જાણવા મળ્યું હતું કે જયારે કોઈ એક વાંદરો જીવલેણ જોખમ માંથી બચી ને ભાગી નીકળે તો તરત જ બીજા જાણીતા વાંદરાઓ સાથે એક-બીજાની માવજત કરવામાં સમય વિતાવશે. ઉપરાંત જો કોઈ એક વાંદરાઓ નો સમૂહ સિહ અથવા બીજા કોઈ જાનવર થી બચીને ભાગી આવ્યું હોય તો તરત જ આશરો મળતા બધા જ વાંદરાઓ એક બીજાની સાથે બેસીને માવજત કરવામાં સમય વિતાવશે. કારણ કે આ ક્રિયા દ્વારા સામાજિક શાંત્વના મળતી હોય છે.
આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે તણાવ બધા વ્યક્તિઓને થતો હોય છે, પણ તેની અસર બધા પર સરખી નથી હોતી. તો પ્રશ્ન એ થાય કે કોઈ માનસિક તાણવ આડઅસર કરશે કે નહિ એ કયા પરિબળો પર આધારિત હોય છે? – એક મહત્વ નું પરિબળ છે ‘તણાવ ની અભિવ્યક્તિ કરવાની ક્ષમતા’. રોકફેલર યુનિવર્સીટી (Rockefeller university) ના સંશોધક ડો. જે વીસ (Dr. Jay Weiss) દ્વારા તણાવની અભિવ્યક્તિના મહત્વ માટે ના પુરાવા મળ્યા હતા. તેમણે નોધ્યું હતું કે જયારે કોઈ ઊંદરને વીજળીનો નાનો આંચકો આપવામાં આવે તો તેને પરિણામે ચાંદી અથવા ફોડલા થાય છે. પણ જયારે કોઈ બીજા ઉંદરને સરખા પ્રમાણમાં વીજળીનો આંચકો આપવામાં આવે અને તે પછી તેને કોઈ નાનકડા લાકડા પર ચાવવા અને કોતરી ખાવા મળે તો આ ઊંદરને કોઈ ચાંદી અથવા ફોડલા નથી પડતા. કારણ કે બીજા ઊંદર પાસે તણાવના લીધે થતી હતાશા અને ગુસ્સો ઠાલવવા માટે નું સાધન ઉપલબ્ધ છે. આ સંશોધન બાદ વિવિધ એવા સાધનો/માર્ગ મળી આવ્યા જેના દ્વારા કોઈ ઊંદર પોતાની હતાશા અથવા ગુસ્સો ઠાલવી તણાવ મુક્ત રહી શકે, જેમ કે – કોઈ બીજા ઊંદર સાથે રમત કરવી, અતિશય આહાર કરવો, રમકડાના પૈડામાં દોડવું, વગેરે..
શું માણસોને પણ તણાવની અભિવ્યક્તિ કરવાથી રાહત મળતી હશે? તો આપણે જાણીએ છીએ કે આપણે સમય પસાર કરવા અને આનંદ માટે વિવિધ શોખ (hobbies) રાખતા હોઈએ છીએ. ઘણા લોકો આવેગ ઠાલવવા કસરત પણ કરતા હોય છે. શારીરિક અભિવ્યક્તિ માનસિક તણાવ ને હળવો કરી શકે છે, કારણ કે કસરત કરવાથી સ્નાયુઓ છુટા પડે છે, અને ઉપરાંત આપણું ધ્યાન બીજી દિશામાં પરોવે છે. વિવિધ શોખ પણ મૂળ તણાવથી આપણું ધ્યાન દુર કરવામાં મદદ કરતા હોય છે. દિવસના અંતે આપણા શોખ આપણને જીવનના મહત્વ વિષે પણ સભાન કરતા હોય છે.
અભિવ્યક્તિના વિવિધ સાધનોમાં એક સાધન વારંવાર નોધાતું આયુ છે અને તે એક દુઃખદાયક પરિસ્થિતિ પણ ઉભી કરે છે. ઉપર દર્શાવેલ ઊંદરના ઉદાહરણમાં જો કોઈ એક ઊંદરને વીજળીના નાના આંચકા બાદ બીજા અજાણ અને સરખામણીમાં નબળા ઊંદર સાથે રાખવામાં આવે તો તે આ નબળા ઊંદરને કરડી ખાતું જોવા મળે છે. આમ કરવાથી પહેલો ઊંદર તણાવ સામેનો પોતાનો ગુસ્સો બીજા અજાણ ઊંદર પર ઠાલવે છે. પરિણામે પહેલા ઊંદરને ચાંદી અથવા ફોડલા પડતા નથી હોતા. માણસોમાં પણ આ વાત નોધાઇ છે, ખાસ કરીને આર્થિક સમસ્યાઓ માંથી પસાર થતા લોકોના કુટુંબમાં ઘરેલું હિંસાના કિસ્સાઓ વધારે જોવા મળે છે. નિર્દોષ કુટુંબીજન, બાળકો, અસહાય માં-બાપ, પતિ અથવા પત્ની પર થતી હિંસા સમાજમાં તણાવને કારણે બનતું એક દુખદ પણ પરિચિત ઉદાહરણ છે.
આ ઉપરાંત અભિવ્યક્તિના ઘણા સાધનો હકારાત્મક પણ હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ ઊંદર વીજળીના આંચકા બાદ કોઈ જાણીતા અથવા ગમતા મિત્ર ઉંદર સાથે રાખવામાં આવે તો તે બંને ઉંદરો એક બીજાની માવજત કરવામાં સમય વિતાવતા હોય છે અને એક બીજાની કાળજી રાખતા હોય છે. પરિણામે પહેલા ઊંદરને તણાવને કારણે થતી ચાંદી અથવા ફોડલા નથી પડતા. આ પરિસ્થિતિમાં બંને ઉંદરોને સામાજિક શાંત્વના મળે છે. અહિયાં નોધવું જરૂરી છે કે અભિવ્યક્તિ ના સાધનો સામાજિક સંબંધ આધારિત હોય છે. લાગણી-પ્રેમ ભર્યા સંબંધ હકારાત્મક અભિવ્યક્તિના સાધનો ને પ્રેરે છે. મનુષ્યોમાં આ પરિસ્થિતિ કેવી રીતે જોવા મળે? તો ઉદાહરણ તરીકે આપડે જાણીએ છીએ કે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તો તેમને હમેશા તેમની પાસે કોઈ સ્વજન હાથ પકડીને સાથે રહે એવી આશા વધારે હોય છે. આના થી માનસિક તણાવ દુર થતો હોય છે અને આ પ્રકારનો સામાજિક સહકાર તંદુરસ્તીને આધાર આપે છે.
અભિવ્યક્તિના સાધનો અને સામાજિક સહકાર ઉપરાંત બીજું મહત્વનું પરિબળ છે તણાવની આગાહી કરવાની સમજણ. જો કોઈ ઉંદરને પ્રકાશ દ્વારા ચેતવણી આપવામાં આવે અને ૧૦ સેકન્ડ પછી વીજળીનો આંચકો આપવામાં આવે તો પણ તેને તણાવ ને કારણે થતી ચાંદી અથવા ફોડલા નથી પડતા. આનું કારણ છે કે તે ઊંદર માનસિક અને શારીરિક રીતે આવનારા તણાવ સામે સમયસર ચેતી શકે છે અને સજ્જ રહી શકે છે. એમજ આપણે પણ કોઈ તણાવ સામે વધારે સારી રીતે પ્રતિક્રિયા બતાવી શકીએ છીએ જો આપણને જાણ હોય કે કેટલા સમય માટે આપણે કોઈ વસ્તુ સહન કરવા ની છે. અને આમ પણ જીવનનો એક મહત્વનો પ્રશ્ન એ હોય છે કે આપણી પાસે કેટલો સમય બાકી બચેલો છે?
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “માનસિક તણાવને સમજીએ – Understanding psychological stress”