જયારે તમને કોઈ વિચાર આવે, કે કોઈ લાગણી અનુભવો, તો તમારા શરીરમાં કેટકેટલાય ફેરફારો થાય છે. તમારૂ સ્વાદુપિંડ (pancreas) તમે નામ પણ ના સાંભળ્યું હોય એવા હોર્મોનનો (hormones) સ્ત્રાવ કરશે. તમારું બરોળ (spleen) તમારા યકૃતને (liver) કોઈ સંદેશો મોકલશે. અને તમે અનુભવી શકશો કે તમારા ડાબા પગના અંગુઠામાં લોહી નો પ્રવાહ વધી રહ્યો છે. અને આ બધું દર્શાવે છે કે આપડે એક સામાજિક અને માનસિક પ્રાણી તરીકે આપડા શરીરમાં બસ વિચાર દ્વારા જ કેટલા બધા ફેરફાર કરી શકીએ છીએ.
તો જોઈએ કે આપડા શરીરમાં તણાવ ને કાબુમાં કરવા, અને સંતુલન જાળવવા માટે કઈ શારીરિક પ્રતિક્રિયાઓ મહત્વનો ભાગ ભજવે છે. સામાન્ય રીતે, મનુષ્યના શરીરમાં બે એવી પ્રણાલીઓ જવાબદાર છે. પહેલું છે, શરીરનું ચેતા તંત્ર (nervous system) જે મગજ દ્વારા શરીરનું સંતુલન જાળવે છે,અને બીજું છે શરીરની અંતહસ્ત્રવી પ્રણાલી (endocrine system) જે શરીરમાં હોર્મોનસ (hormones) દ્વારા સંદેશ-વાહન કરે છે અને તણાવ સામે પ્રતિક્રિયા દર્શાવે છે. અહિયાં મહત્વની વાત જાણવાની એ છે કે બાહ્ય તણાવની હાજરી માં આ બન્ને પ્રણાલીઓ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.
ચેતા તંત્ર નો ભાગ જે આપડી કાબુમાં નથી તેને સ્વસંચાલિત ચેતા તંત્ર (autonomic nervous system) કહેવાય છે. આ સ્વસંચાલિત ચેતા તંત્રના પણ બે ભાગ છે, જેમાં એક ભાગ (sympathetic nervous system) તણાવ સામે પ્રતિક્રિયા માટે ભાગ ભજવે છે, અને બીજો ભાગ (parasympathetic nervous system) સામાન્ય પરિસ્થિતિમાં (જેમ કે ઊંઘતી વખતે, અથવા કોઈ લગાનના જમણવારમાં જમતી વખતે) સંતુલન જાળવવા માટે જવાબદાર છે. જો તમે કોઈ એકસીડન્ટ (accident)માં ઘવાયા છો તો તમારૂ શરીર sympathetic nervous systemના કાબુ માં હશે, અને તે દરમ્યાન parasympathetic nervous system નિષ્ક્રિય બનશે.
આ જાણ્યા બાદ હવે એમ થાય કે આ સ્વસંચાલિત ચેતા તંત્રનું સંચાલન ખરેખર કરે છે કોણ? આ જવાબ માનવ વર્તન નો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોએ એક કાલ્પનિક ચિત્ર તરીકે દર્શાવ્યો છ, જેમાં મગજના ત્રણ કાર્ય શીલ ભાગ (triune brain) દર્શાવ્યા છે. આમાં મગજના કાર્ય પ્રમાણે ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે.
પહેલો ભાગ છે હાયપોથેલામસ (hypothalamus) અને મગજ નો નીચલો દાંડી જેવો ભાગ જે શારીરિક નિયમન માટે જવાબદાર છે (જેમ કે, તમને ઠંડી લાગે તો શરીરના અંગો સાથે મગજ નો રસાયણિક વાર્તાલાપ થાય અને તમે ધ્રુજી ઉઠો જેના કારણે શરીર પોતાનું તાપમાન જાળવી શકે). મગજની બીજી પરતને લિમ્બિક સીસ્ટમ (limbic system) તરીકે ઓળખવામાં આવે છે જે વ્યક્તિની લાગણીયો, લાલચ, ક્રોધ વગરે માટે જવાબદાર છે. અને મગજનો બાહ્ય ભાગ કોરટેક્સ (cortex) તરીકે ઓળખાય છે, જે ચેતા તંત્રનો ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ તાજેતરમાં વિકસિત થયેલો ભાગ છે, જે મનુષ્યના સિદ્ધાંતો, અમૂર્ત વિચારો (abstract thoughts), વિશેષ વિચાર પ્રક્રિયા, અને લાંબા ગાળાની યાદગીરી માટે જવાબદાર છે. માનવ મગજની આ વિશેષ રચના ને કારણે આપડે જો કોઈ રેફૂજી કેમ્પમાં હેરાન થતા બાળકો વિષે વિચારીએ, કે આપડા ટૂંકાતા જતા જીવન વિષે વિચારીએ, તો આપડે તે તણાવ સામે શારીરિક પ્રતિક્રિયા સક્રિય કરી શકીએ છીએ, પછી ભલે ને તે એકમાત્ર માનસિક વિચારજ કેમ ના હોય. મનુષ્યના મગજ ના બધાજ ભાગો માંથી આપડે સોથી વધારે કોરટેક્સ (cortex) વિષે આ શ્રેણી માં ચર્ચા કરશું.
હવે જોઈએ કે શરીરની અંતહસ્ત્રવી પ્રણાલી (endocrine system) આપડા શરીરમાં હોર્મોનસ (hormones) દ્વારા કેવી રીતે તણાવ સામે સંચાલનમાં ભાગ ભજવે છે. હોર્મોનસ (hormones) એટલે એવા રસાયણિક સંદેશો, જે આપડા ચેતા તંતુઓ દ્વારા અથવા બીજા કોશો દ્વારા શરીરમાં માહિતી રૂપે મોકલવામાં આવે છે. હોર્મોનસ (hormones) શરીરમાં બધેજ એકસરખી રીતે પ્રસરે/ફેલાય છે અને શરીરના બધાજ અંગો ને અસર કરવા માટે સક્ષમ છે. કોઈ તણાવની હાજરીમાં સો પ્રથમ એપીનેફ્રીન (epinephrine અથવા adrenaline) નો સ્ત્રાવ થાય છે. ત્યાર બાદ ગ્લુકો-કોર્ટીકોઈડ (glucocorticoids) નામના, સ્ટીરોઇડ (steroid) પ્રકારના વિવિધ હોર્મોનસ (hormones) નો સ્ત્રાવ જોવા મળે છે. અન્ય બીજા તણાવને લગતા હોર્મોનસ (hormones) નો સ્ત્રાવ પણ જોવા મળે છે અને આ બધાની અસર આપડે પછી વધારે ઊંડાણમાં સમજીશું. આના થી વિરોદુદ્ધ, તણાવની પરીસ્થીતમાં કેટલાક હોર્મોનસ (hormones) એવા પણ છે જેમના સ્ત્રાવ માં ઘટાડો થાય છે, જેમ કે ઇન્સુલીન (insulin) અને વિવિધ પ્રજનનને લગતા હોર્મોનસ (hormones).
એક ખાસ વાત નોધવા જેવી એ છે કે બધાજ વ્યક્તિઓ તનાવ સામે એકસરખી પ્રતિક્રિયા નથી આપતા. આ કારણસર ઘણા વૈજ્ઞાનિકો એવા વ્યક્તિઓ નું અવલોકન કરે છે જે સરળતા થી તણાવને કાબુમાં કરી શકે છે, અથવા તણાવ સામે એક તંદુરસ્ત પ્રતિક્રિયા બતાવે છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.