તમારા વિચારો અને લાગણીયો તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેના પુરાવા અનેક સદીઓ પહેલા મળી આવેલા. ૧૯મી (૧૮૦૦-૧૯૦૦) સદી દરમ્યાન ખબર નહિ કોને આ વિચાર આવ્યો, પણ તેમણે નોધ્યું કે જયારે કોઈ વ્યક્તિ ગુલાબ સામે તીવ્રપ્રતિક્રિયા (rose allergy) આપતું હોય, અને તે વ્યક્તિ થી નજીક તમે કોઈ કુત્રિમ ગુલાબ લઇ જાવ તો તે વ્યક્તિ ને છીંક આવવાની શરુ થઇ જશે. આ દર્શાવે છે કે તે વ્યક્તિ એક વાસ્તવિક કુદરતી ગુલાબ સામે પ્રતિક્રિયા નથી દર્શાવતા પણ ગુલાબના વિચાર સામે આપે છે. આવી વિશેષ પ્રક્રિયા ના અભ્યાસ ને મનોરોગપ્રતિરક્ષાવિજ્ઞાન (સાયકોન્યુરોઇમ્યુનોલોજી – psychoneuroimmunology) કેહવાય છે. આવા સંજોગ દરમ્યાન કોઈ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ માનસિક કારણો દ્વારા સક્રિય બની જાય છે.
તો પહેલા જાણીએ કે આપડા શરીરનું રોગપ્રતિકારક તંત્ર કેવી રીતે કામ કરે છે. પહેલા તો તે જાણી લેવું સારું કે મનુષ્યનું રોગપ્રતિકારક તંત્ર ખુબ જ અટપટું અને સમજવા માટે મુશ્કેલ છે. પણ જો ટૂંકમાં સમજીએ તો આ તંત્ર આપણને રોગકારક તત્વો સામે રક્ષણ પૂરું પાડે છે – જેમ કે બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus) સામે. આપણા શરીરમાં અનેક પ્રકારના શ્વેત રક્ત કોશો (white blood cells, leucocytes – immune cells) જોવા મળે છે જે આ રક્ષણ માટે જવાબદાર છે. અને ફરી વાર યાદ કરાવી દઉં, કે રોગપ્રતિકારક તંત્ર ખુબ ગુચવણ ભર્યું હોય છે – જેમ કે વિવિધ કોશો રોગપ્રતિકારક ક્ષમતાને સક્રિય બનાવે છે, બીજા કોશો તેને કાબુમાં રાખવાનું અથવા નિયમનનું કામ કરે છે, અને વળી એવા કોશો પણ હોય છે જે એક-બીજા કોશોને સક્રિય-અથવા-નિષ્ક્રિય કરવાનું કામ કરે છે. ઉપરાંત આ શ્વેત રક્ત કોશોની ઉત્પત્તિ પણ વિવિધ અંગોમાં થાય છે – જેમ કે અસ્થિ મજ્જા (હાડકાની અંદરના પોલાણ નો ભાગ – bone marrow), થાઇમસ (ગરદનના મૂળ પાસેની એક નાની ગ્રંથિ – thymus), બરોળ (spleen), અને શરીરમાં અનેક જગ્યાઓ પર વિસ્રિત લસિકાની ગાંઠોમાં (lymph nodes) થાય છે. આ લેખ પુરતી અને એક સરળ સમજણ માટે જાણવું જરૂરી છે કે બે મહત્વના શ્વેત રક્ત કોશો – બી કોશો (B-cells, મજ્જામાં વિકસતા) અને ટી-કોશો (T-cells, થાયમસમાં વિકસતા) રોગપ્રતિકારક તંત્રમાં એક વિશેષ ભૂમિકા ભજવે છે. બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) ઉપરાંત પણ બીજા એવા કેટલાય શ્વેત રક્ત કોશો આપદા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે અને આપણને સુરક્ષિત રાખે છે.
બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) રોગપ્રતિકારક તંત્રમાં અલગ-અલગ કાર્ય માટે જવાબદાર છે. બી-કોશો (B-cells) કોઈ પોલીસની જેમ શરીરમાં સતત રોગકારક તત્વોની (pathogens) શોધ માં લાગેલા હોય છે. જયાર કોઈ રોગકારક બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus)ના સંપર્ક માં આવે છે, ત્યારે આ બી-કોશો એવી ક્ષમતા ધરાવે છે કે તે આ રોગકારક તત્વોને એક બિન-સ્વ તત્વ (જે શરીરનું પોતાનું નથી તેવું – foreign, nonself) તરીકે ઓળખી શકે છે. અને તેને ઓળખ્યા બાદ, તે બેક્ટેરિયા અથવા વિષાણુઓ ની વિરુદ્ધ ચોક્કસ એન્ટીબોડીનો (antibodies) સ્ત્રાવ કરે છે અને તેમની રોગ કરવાની ક્ષમતાને બિન-અસરકારક બનાવે છે. સ્વાભાવિક રીતે આ રોગકારક જંતુઓ કોઈ પ્રતિરોધ વગર નષ્ટ નથી થતા, અને તે પોતાને રોગપ્રતિકારક તંત્ર સામે બચાવવાનો પ્રયાતના કરે છે. ટી-કોશો (T-cells) પણ રોગકારક તત્વોને બિન-સ્વ તરીકે ઓળખવાની ક્ષમતા ધરાવે છે – ખાસ કરીને તે આપડા શરીરના એવા કોશો ને ઓળખી શકે છે જે કોઈ બેક્ટેરિયા (bacteria) અને વિષાણુઓ (virus) દ્વારા સંક્રમિત (infected) થયા હોય.
હવે એ જાણીએ કે તણાવની (stress) હાજરીમાં આપડી રોગપ્રતિકારક શક્તિને કેવી અસર પહોચે છે? તો પ્રાથમિક તબ્બકે ટૂંકા ગાળાના તણાવને કારણે કોઈ વ્યક્તિને સામાન્ય કરતા વધારે જલ્દી અને તીવ્ર પણે તેમની રોગપ્રતિકારક ક્ષમતાની સક્રિયતામાં વધારો જોવા મળે છે. જેના કારણે અમુક વ્યક્તિઓમાં સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) જેવી આડઅસર પણ નોધી શકાય છે. સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) ત્યારે જોવા મળે છે જયારે આપડા શરીરમાં રહેતા બી-કોશો (B-cells) અને ટી-કોશો (T-cells) સ્વ-અને બિન-સ્વ (self and foreign or nonself) વચ્ચે ભેદ કરવામાં ભૂલ કરે છે, અને પરિણામે કોઈ રોગકારક તત્વ ને બદલે આપડા સ્વસ્થ કોશોની સામે લડવાનું શરુ કરે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના તણાવના કારણે થતા સ્વયંપ્રતિરક્ષા (autoimmune disorder) નોધ્યા છે, અને તે જોયું છે કે વારંવાર થતા તણાવને લીધે કાર્યશીલ રહેતા રોગપ્રતિકારક તંત્રને કારણે આ સમસ્યા વધારે ગંભીર રૂપ ધારણ કરે છે. પણ જો કોઈને સતત તણાવ રહે તો એની અસર કેવી હશે? – આશ્ચર્યજનક રીતે સતત રહેતા તણાવની અસર, , ટૂંકા ગાળાના તણાવ કરતા એકદમ વિરુધ જોવા મળે છે. ગ્લુકો-કોર્ટીકોઈડ(glucocorticoids) જેવા તણાવ ને લગતા હોર્મોન્સ (hormones) ના સતત સ્ત્રાવ ને કારણે રોગપ્રતિકારક શક્તિ લઘુત્તમ સ્તરે પહોચી જાય છે, અને એક સમયે આ લઘુત્તમ સ્તર થી પણ વધારે નબળી સ્થિતિમાં પહોચી શકે છે (immunosuppression). પરિણામે, સતત તણાવમાં રહેવાને કારણે આપડું શરીર વિવિધ ચેપી રોગ અને સંક્રમણ સામે સંવેદનશીલ બની જાય છે.
- Based on the lectures and books by Dr. Robert M. Sapolsky.
- ડો. રોબર્ટ સાપોલ્સકી ના પુસ્તકો અને લેકચરો આધારિત.
1 thought on “તણાવ અને તમારી રોગપ્રતિકારક શક્તિ – stress and your immune system”